Friday, 5 January 2018

પરીવાર કરે શિક્ષણનું કામ



પરીવાર કરે શિક્ષણનુ કામ
પરમાર અનિલ એન.
શિક્ષક શ્રી કુંભણ કન્યા પ્રા.શાળા,
પીએચ.ડી. સ્ટુડન્ટ ગૂજરાત વિદ્યાપીઠ

      વિદ્યાર્થીના અભ્યાસ પર શાળામાં થતા કાર્યની અસર ઘણી મોટી હોય છે. તે ઉપરાંત તે જે સમય શાળાની બહારના વાતાવરણમાં એમાંય પરીવારમાં વ્યતીત કરે છે તેની અસર પણ રહે છે. શાળામાં પ્રેમ અને હુંફ મેળવવા માટે ફાંફા મારતો વિદ્યાર્થી ક્યારે તેના પાંચ કલાક પૂર્ણ થાય તેની રાહ જોતો હોય છે. સલામતીની પરિસ્થતિમાં માનસિક સ્વસ્થતા વધે છે અને તે જ પરિસ્થતિમાં શિક્ષણ કાર્ય સારુ થાય છે તેવું મનોવિજ્ઞાન કહે છે. એક બાળક માટે પરિવારથી મોટી સલામત જગ્યા કોઈ નથી. પણ સમસ્યા એ છે કે પરિવાર દ્વારા શિક્ષણ કાર્ય થતુ નથી. પરિવાર જો બાળકના શિક્ષણકાર્યમાં ઝંપલાવે તો તેના આગવા પરરિણામો પ્રાપ્ત થાય છે. જેમ કે અબ્દુલ કલામ. તેમનું શિક્ષણકાર્ય તેના પિતામહ પકીર, તેના પિતા જૈનાલુબ્દીન તેમજ માતા આસિયામા દ્વારા થયુ. અબ્દુલ કલામના પરિવારે પરિવારમાં જ શિક્ષણમય વાતાવરણ ઊભુ કરી દેશના ઘડવૈયા માટેનો પાયો મજબૂત કરી નાંખ્યો હતો. તેવી જ રીતે મહાત્મા ગાંધી, શિવાજી વગેરે દ્રષ્ટાંતો આપણને સમાજમાંથી પ્રાપ્ત થાય છે કે પરીવાર જો શિક્ષણમય વાતાવરણ તૈયાર કરે તો તે બાળકના સંપૂર્ણ વિકાસમાં ખૂબ મોટો ફાળા સમાન બની રહે છે.
      કેળવણીકાર જ્યોતિ થાનકી કહે છે બાળક પોતાનો મોટાભાગનો સમય કુંટુંબમાં અને ઘરમાં પસાર કરે છે, ત્યારે કુટુંબનું વાતાવરણ, કુટુંબની રીતભાત, કુટુંબના સંસ્કારો, માતા-પિતાનું વલણ-આ બધું તેના ઘડતરમાં ઘણો જ ભાગ ભજવે છે. બાળકોના શિક્ષણમાં માતા-પિતા ગાઢ રીતે સંકળાયેલા છે.
      આમ, ઉપરોક્ત કથનથી  દ્રષ્ટિત  થાય છે કે એક પરીવારે શાળા પર સંપૂર્ણ આશ્રિત ન થતા પરિવારમાં જ શિક્ષણકાર્ય થાય તેનું આયોજન કરવું જોઈએ. એક પરીવારને શાળા કઇ રીતે બનાવી શકાય તે બાબતો આપણે નિહાળીએ.
1                     માતા-પિતાનું કર્તવ્ય :
      પાણી પહેલા પાળ બાંધવી એ કહેવત બાળકના શિક્ષણના સંદર્ભે સૂચક છે. એટલે કે બાળકના જન્મ પહેલા જ તેના શિક્ષણની શરૂઆત આરંભી દઇએ. મહાભારતનુ અભિમન્યનું પાત્ર તેની માતાના ગર્ભમાં જ યુદ્ધ કળા શિખ્યો હતો. મનોવિજ્ઞાન પણ કહે છે કે બાળક ગર્ભાવસ્થા દરમિયાન શીખવા લાગે છે. આથી જ પશ્ચિમની સંસ્કૃતિમાં ગર્ભાવસ્થિત સંસન્નારીઓ વર્કશોપમાં હિસ્સેદાર બનતી હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાની બે મહત્ત્વપૂર્ણ જવાબદારી રાખવાની હોય છે. એક શારીરિક સ્વાસ્થ્યને લગતી જવાબદારીઓ. જે બાબતે માતાએ ડૉક્ટરની સલાહાનુસાર મેડિસિન તેમજ આહાર જાળવવો તથા આરોગવો જોઈએ. માતાએ ભારે મહેનતથી બચવું જોઈએ. બીજી બાબત છે માનસિક સ્વાસ્થ્ય. માતાનો સંપૂર્ણ હકારાત્મક અભિગમ બાળકને પણ તેજસ્વી બનાવે છે. આ માટે પ્રાણાયામ કરવાથી લાભ થાય છે. તેમજ શક્ય બને તો માઈન્ડ વર્કશોપમાં પણ જોડાઈ શકાય. ગર્ભાવસ્થા દરમિયાન માતાએ બદીઓ, ખરાબ વિચારો તેમજ ખરાબ માધ્યમોથી સદંતર દૂર રહેવુ. મન તંદુરસ્ત  રહે તે માટે હાસ્ય કાર્યક્રમો વધારે નિહાળવા તેમજ પ્રાકૃતિક વાતાવરણમાં ટહેલવાનું રાખી શકાય.આ ઉપરાંત પરીવારના અન્ય સભ્યોની પણ જવાબદારી બને છે કે તે માતાને માનસિક ત્રાસ ન આપે. જેનાથી આવનાર બાળક પર પણ અસર થઈ શકે છે.
      શ્રી માતાજી કહે છે,   માતા હંમેશા ધ્યાન રાખશે કે તેના વિચારો સદાય સુંદરને વિશુદ્ધ પ્રકારના હશે. તેની લાગણીઓ ઉમદાને ઉત્તમ પ્રકારની હશે. તેમજ તેની આસપાસની પરિસ્થતિ બને તેટલી સંવેદનાભરી ક્લેશરહિત અને ખૂબ જ સાદાઈથી ભરેલી હશે. આ ઉપરાંત માતાની અંદર એક રીતનો જાગૃત સંકલ્પ હોવો જોઇએ કે, મને જે ઉત્તમોત્તમ આદર્શ દેખાય છે તે મુજબ મારે મારા બાળકને ઘડવું છે 
      આમ, જો માતા ઉપરની પરિસ્થતિ પ્રમાણે રહે તો એક ઉત્તમ બાળકના આગમનના સંજોગો પેદા કરી શકાય છે.
2                     પરિવારનું વાતાવરણ
      પહેલુ પગથિયું છે પ્રેમ : પ્રેમની આવશ્યકતા તો બધે છે. પરિવાર તેનાથી અલગ નથી. પ્રેમ એટલે અહીં સલામતીની ભાવનાનો વિકાસ થવો. શાળામાં બાળકોની સંખ્યા વધારે હોવાથી સલામતીની ભાવના દરેક બાળકને મળતી નથી કદાચ એ બાળક આપણું પણ હોઇ શકે. આથી પરીવારની જવાબદારી બને છે કે તે પરિવારમાં સલામતીની ભાવનાનો વિકાસ કરે. પ્રેમ એટલે બાળકની જરૂરીયોતો સંતોષવી કે બાળકની હઠ પૂરી કરવો તેવો કદી નથી પરંતુ અહીં પ્રેમ એટલે બાળકની દેખભાળ રાખવી, બાળકને વિશ્વાસ અપાવવો, બાળકને વિશ્વાસ આવવો જોઇએ કે મારો પરિવાર સારુ અને સાચુ જ કરે છે અને બાળકની સંપૂર્ણ સુરક્ષા રાખવી વગેરે આ બધી બાબતો પ્રેમ અંતર્ગત સમાવી શકાય.
      પરીવાર બાળકને પ્રેમ કરતો જ હોય છે પણ સલામતીની ભાવના આપવામાં નિષ્ફળ જતો હોય છે. ત્યારે બાળક પરીવારથી દૂર જવાના પ્રયાસો કરતો હોય છે. પ્રેમમાં સલામતી ન અનુભવાતા બાળકને પોતાના પરિવાર પર વિશ્વાસ રહેતો નથી. તે પોતાના માતા-પિતા દ્વારા અપાયેલી આજ્ઞાને ત્યારે જ પાળતો થાય છે જ્યારે માતા-પિતા તેને કડકથી આદેશ આપે. આ પરિસ્થિતિ બાળકના શિક્ષણ પર ખૂબ અસર કરતી હોય છે. આથી બાળકને સલામતીનો અહેસાસ થાય તેવો પ્રેમ આપવો જોઈએ.
      બીજુ પગથિયું છે વિશ્વાસ : વિશ્વાસે વહાણ તરી જાય છે. વિશ્વાસ અપાવવો અને વિશ્વાસ રાખવો બંને જરૂરી છે.વિશ્વાસ અપાવવા માટે બાળકની પાસે ખોટુ ન બોલો. બાળકને ખોટી માહિતી ન આપો. બાળકના પ્રશ્નને ટાળો નહીં.જો બાળક દ્વારા પૂછાયેલ પ્રશ્નનો જવાબ તમને ખ્યાલ નથી તો ખોટો જવાબ ન દેતા બાળકને સાચો જવાબ જાણતી વ્યક્તિ કે એ પ્રશ્નને લગતા પુસ્તકો અપાવી શકાય.આમ, કરવાથી બાળકને તમારા પર વિશ્વાસ આવશે. બાળક પાસે હંમેશા સાચા પુરવાર થવાનો પ્રયાસ કરો જેનાથી બાળકને વિશ્વાસ આવે કે મારી સમસ્યાનું સમાધાન મારા પરીવાર પાસે છે. બાળકને વિશ્વાસ આવવાથી અને અપાવવાથી બાળકમાં આત્મશ્લાઘાની વૃતિ રહેતી નથી. તે મનમાં મૂંઝવણ અનુભવતો નથી. તેથી બાળકનો આત્મવિશ્વાસ વધે છે.
      ત્રીજુ પગથિયું છે સારી આદતો વિકસાવો,નિયમમા રહો : બાળક અનુકરણથી જ્ઞાન અર્જિત કરવામાં પાવરધુ હોય છે એટલુ જ નહીં પણ અનુકરણ દ્વારા અનૌપચારિક રીતે ઘણુ શીખી જતો હોય છે. એમાય પરીવારના સભ્યો તેના માટે આદર્શ હોય છે આથી તે પરિવારના સભ્યોનું વધારે અનુકરણ કરતો હોય છે. આથી પરિવારની એ જવાબદારી બને છે કે બાળકમાં કોઈ ખરાબ લક્ષણ આવી ન જાય અને તેના જવાબદાર તેનો પરિવાર ન હોય. ડૉ.સ્નેહ દેસાઈ કહે છે કે બાળકને કદી નકારાત્મક સૂચનો ન આપવા જોઇએ પણ હકારાત્મક સૂચનો આપવા જોઈએ જેમકે બાળકને ફૂલ તોડો નહી તેમ ન કહેતા ફૂલની સંભાળ રાખો તેવા હકારાત્મક અભિગમ સાથે આદેશ આપીએ. એ બાબત ખાસ ધ્યાન રાખીએ કે આપણી ખરાબ આદતો હોય તો તેને છોડી દઇએ અને તે શક્ય ન હોય તો બાળક સામે કદી તે આદતને પુનરાવર્તીત ન કરીએ. પરીવાર ના દરેક સભ્ય બાળક સામે એક ચોક્કસ નિયમમાં રહે તો બાળક એમ જ શીખશે કે આમ જ જીવાય આનાથી બાળકમાં ખરાબ આદતો વિકાસ પામતી નથી.
      પરીવારના સભ્યો સાથે બેસી દરરોજ એક કલાક અથવા સપ્તાહે એક કલાક વાંચન પ્રવૃતિનું આયોજન કરો. જેનાથી બાળકને પણ વાંચન પ્રત્યે રસ જાગૃત થાય છે. આ ઉપરાંત શક્ય બને તો ઘરમાં પ્રાર્થના કરવી. અંતાક્ષરી  જેવી રમતો રમવી. વગેરે જેવી આદતો પણ પરીવારમાં વિકસાવવાથી બાળકના શિક્ષણમાં અનેરો લાભ મળે છે.
      ચોથુ પગથિયું છે દરેકનું માન જાળવો : માન આપવાથી જ માન મળે છે. નમે તે સૌને ગમે. બાળકની નઝર સામે પરીવારના કોઈ સભ્યનુ અપમાન ન થાય તેની કાળજી રાખો. જો એમ ન કરવામાં આવે તો બાળક પણ તે વ્યક્તિનું માન જાળવતો નથી. ક્યારે પણ બાળકનું અપમાન ન કરો. બાળકને ઠપકો પણ ન આપો. બાળકને હિનપતની લાગણીનો અહેસાસ ક્યારે પણ ન થવો જોઈએ. આમ, કરવાથી બાળકનો આત્મવિશ્વાસ વધે છે. બાળક સ્વતંત્રતા અનુભવે છે. ત્યારે બાળક માનસિક સ્વસ્થતા અનુભવે છે.
      પાંચમું પગથિયું છે પરીવારને ક્લેશમુક્ત બનાવીએ : જર્મન મનોવિજ્ઞાન પરિષદે ધનવાન અને નિર્ધન કુટુંબોના સો-સો બાળકોની આરોગ્ય ચકાસણી કરી ત્યારે જાણવા મળ્યું કે સગવડ કે અગવડને કારણે તેમના આરોગ્યમાં કોઈ તફાવત ન હોતો. તેમજ ઉત્તમ કે હલકું ભોજન લેવા છતા તેઓની વચ્ચે આરોગ્યની બાબતમાં કોઇ મોટો તફાવત જણાયો ન હતો. પરંતુ જ્યારે બીજા સો-સો બાળકોને તેમની તેમની પર કૌટુંબિક અસર કેવી પડે છે એ દ્રષ્ટિ એ ચકાસવામાં આવ્યા તો તેનાથી જુદા જ સત્યો સામે આવ્યા. જેમના કુટુંબોમાં માનસિક તાણ, મનભેદો, અસંતોષ અને કંકાસ હતા તે બાળકો નબળા જણાયા. એટલું જ નહિં. પરંતુ રોગો અને કુટેવોના શિકાર પણ બનેલા જણાયા એથી ઊલટુ જે ઘરોમાં પ્રેમ, સજ્જતા અને સહકારનું વાતાવરણ હતું. તેઓ શારીરિક રીતે મજબૂત હોવા ઉપરાંત માનસિક દૃષ્ટિએ પણ હોશિયાર જણાયા હતા.
      આથી પરીવારને ક્લેશમુક્ત બનાવવો જોઇએ
      છઠ્ઠુ પગથિયું છે ઘરનું ભૌતિક વાતાવરણ શિક્ષણમય બનાવીએ : એટલે કે ઘરને શિક્ષણમય બનાવીએ. શાળા અને ઘર સ્વાભાવિક રીતે ભૌતિક વાતાવરણમાં જ ભિન્ન હોય છે.એટલે એનો અર્થ એ નથી કે ઘરમાં કાળું પાટિયું, ચૉક, ટી.એલ.એમ. વગેરે લગાવીએ શક્ય હોય તો તે પણ કરાય જેમાં કઈ ખોટું નથી. પણ તે ઘરમાં શક્ય બનતું નથી. તો પછી ઘરના વાતાવરણને કેવી રીતે શિક્ષણમય કરવું ?
1                        ઘરની દિવાલો પર સુવિચારો લખાવી શકાય.ઘરની દિવાલો પર ચિત્રો લગાવી શકાય, પરીવારની નિયમાવલી પણ લગાવી શકાય.
2                        ઘરમાં નાની લાઈબ્રેરી વિકાસાવી શકાય. ઘરના કોઈ ખૂણામાં કે કોઈ પડતર કબાટ કે પછી દિવાલમાં ખાના બનાવી નાની લાઈબ્રેરી બનાવી શકાય. જેનાથી પરીવારમાં વાંચવાની ટેવનો વિકાસ થાય છે. પરીવાર દરરોજ અથવા સપ્તાહે સમૂહમાં વાંચન પ્રવૃત્તિ યોજી શકે છે. લાઈબ્રેરીમાં બાળસાહિત્ય, સમાચાર પત્રો, ગણિત, વિજ્ઞાન, ધર્મગ્રંથો, નાની બાળ વાર્તાની પુસ્તિકાઓ વગેરે સાહિત્ય રાખી શકાય. બાળક વાંચન સમય દરમિયાન પોતાની શાળાનું હોમવર્ક પણ કરી શકે. આમ આ પ્રવૃત્તિથી બાળક અધ્યયન કરતો થાય છે અને અધ્યયનમાં તેને એકલતા નથી લાગતી. બાળક પરીવારનું અનુકરણ કરી વાંચન કરતો થાય છે.
3                        વાતાવરણને પ્રફૂલ્લિત કરવા ફૂલો તથા તુલસી ઉછેરીએ.
                 रोपानात् पालनात् सेकात् दर्शनात्स्पर्सना न्नृणाम् ।
                 तुलसी दाह्यते पाप वाक् मन: काय  संचितम् ।।
      અર્થાત્ તુલસીના છોડને રોપવાથી, તેનું રક્ષણ કરવાથી, તેને પાણી પાવાથી તેનું દર્શન કરવાથી  મનુષ્યોની વાણી, મન  અને કાયાના સમસ્ત સંચિત દોષ બળી જાય છે.
      આમ, તુલસી ખૂબ ગુણકારી હોય છે. વિજ્ઞાન પણ કહે છે કે તુલસી સતત પ્રાણવાયું આપે છે જેનાથી વાતાવરણ શુદ્ધ બને છે. અને શુદ્ધ વાતાવરણમાં મન પણ શાંત બને છે ત્યારે શિક્ષણ કાર્ય સારુ થઇ શકે છે.
       સામાન્ય રીતે બાળક પરીવારમાં શિક્ષણ કાર્ય કરતો નથી. શાળામાં અપાયેલ હોમવર્કને પણ તે ગૌણ સમજતો હોય છે. ત્યારે બાળક શિક્ષણમાં પાછળ રહે તે સ્વાભાવિક છે. જો એક પરીવાર પોતાના બાળકના શિક્ષણ પ્રતિ સજગ બને તો શિક્ષકનું 50% કાર્ય સંભવ બને છે. અને તેવા બાળકને અધ્યયન કરાવવું શિક્ષકને વધારે પસંદ પડતુ હોય છે. એક હાથે તાળી ન વાગે. એટલે પરીવારે ઘરમાં પોતાના બાળકના શિક્ષણના કાર્ય પ્રતિ સજગ બને. ઉપર પરીવારને શિક્ષણમય બનાવવા માટેના થોડા વિચાર આપેલા છે તેની પણ સહાય લઇ શકાય.

સંદર્ભ સૂચિ
1                        થાનકી જ્યોતિ, સર્વાંગી શિક્ષણ
2                        આચાર્ય શ્રીરામ શર્મા, તુલસીના ચમત્કારી ગુણો
3                        આચાર્ય શ્રીરામ શર્મા, મનની પ્રચંડ શક્તિ
4                        યુગ શક્તિ ગાયત્રી અંક-10 પેજ-21



No comments:

Post a Comment