Thursday, 9 February 2017

શિક્ષણ(education) દ્વારા આર્થિક વિકાસનું માધ્યમ ઉદ્યોગ દ્વરા શિક્ષણ

શિક્ષણ દ્વારા આર્થિક વિકાસનું માધ્યમ ઉદ્યોગ દ્વારા શિક્ષણ
અનિલ એન.પરમાર
શિક્ષક શ્રી કુંભણ કન્યા પ્રા.શાળા,તા-પાલીતાણા
પીએચ.ડી.સ્ટૂડન્ટ ગૂજરાત વિદ્યાપીઠ
      આર્થિક સદ્ધરતા એ માનવિકાસઆંકની ગણતરીમાં લેવાતું પાસું છે. સંપતિ વિના માનવી કે સમાજનું જીવનધોરણ ઊંચુ આવવું કઠિન છે. શિક્ષણને ત્રિધૃવી પ્રક્રિયા તરીકે સંકેલીએ તો આ ત્રણેય ધૃવો માટે આર્થિક સદ્ધરતા નિર્ણાયક પાસુ તરીકે ઊભરી આવે છે. આ સત્વાર્થને શાસ્ત્રોનું પીઠબળ મળે છે. શાસ્ત્રોમાં ગવાયું છે सर्वे गुणा: कान्चनम् आश्रयन्ते । આર્થિક રીતે સદ્ધર હોય તે માનવનું જીવન ધોરણ સુધરે છે તેની ભાવિ ચિંતાઓ દૂર થાય છે. ત્યારે સામાજિક ઉત્થાનની જીવાદોરી બંધાય છે.
      સમયના વિવિધ તાંતણે એ સ્વીકૃત થયું છે કે આર્થિક વિકાસનું સબળ માધ્યમ કેળવણી છે. કેળવણી અને આર્થિક વિકાસ બંને અભિન્ન છે. કેળવણી એ આર્થિક વિકાસનું ઉત્તમોત્તમ માધ્યમ છે.કેળવણી અને આર્થિક વિકાસ આ બંને માનવીના વર્તનમાં પરિવર્તન તેમજ સમાજની યોગ્ય પ્રગતિ સાથે સંકળાયેલા છે.
      પ્રૉફેસર જ્હોન વેઇની અને થિયોડર શુલ્ટઝના અભ્યાસો કહે છે કે કેળવણી એ આર્થિક વિકાસનું મહત્વનું સાધન છે.
      કોઠારી કમિશન પણ પોતાના અહેવાલમાં શિક્ષણને આર્થિક ઉત્પાદકતા સાથે જોડવાની વાત કરી છે.
      ગાંધીજીએ પણ બુનિયાદી શિક્ષણમાં સ્વાવલંબન તેમજ ઉદ્યોગ સાથે અનુબંધ સાધવાની વાત કરી શિક્ષણને આર્થિકતા સાથે સંલગ્ન કરી છે.
      આમ, ઉપરોક્ત બાબતથી દૃષ્ટિગત થાય છે કે કેળવણીએ આર્થિકતાનું માધ્યમ છે. કેળવણી દ્વારા આર્થિક વિકાસ સંભવિત બનવો જોઈએ. કેળવણી પર ખર્ચ કરવો જોઈએ કેમકે, આલ્ફ્રેડ સ્મિથ જણાવે છે કે કેળવણી પર થતો ખર્ચ રાષ્ટ્રીય મૂડી રોકાણ છે.
કેળવણી દ્વારા આર્થિક વિકાસ :ઉદ્યોગ દ્વારા શિક્ષણની ભૂમિકા :
      આર્થિક વિકાસમાં કેળવણી ઉપયોગી નિવડી છે. આપણી શિક્ષણ પ્રણાલીમાં પણ આ બાબતને ધ્યાનમાં રાખી વ્યાવસાયિક અભ્યાસો દાખલ કરવામાં આવ્યા છે. પરન્તુ કેળવણી ક્ષેત્રે દાખલ કરવામાં આવેલા અભ્યાસો પ્રત્યે અરૂચિ, અભ્યાસો દ્વારા યોગ્ય વળતરનો અભાવ, શારીરિક શ્રમ આધારિત વ્યવસાયિક શિક્ષણ પ્રત્યેની સુગ, શાળા કૉલોજોમા પરંપરાગત રીતે તેમજ ઉદારમતવાદી અભ્યાસક્રમો નોકરી અપાવતા અભ્યાસોમાં રસ વગેરે કારણોને પરિણામે કેળવણી દ્વારા આર્થિક વિકાસ ની ગતિ મંદ પડતી જણાય છે.
      સામાન્ય રીતે વર્તમાન શિક્ષણ મેકૉલોના લક્ષ્ય આધારિત માત્ર ક્લાર્કો ઉત્પન્ન કરે છે. નોકરિયાતો ઉત્પન્ન કરે છે. સ્વાભાવિક છે કે દરેક ને ક્લાર્કની નોકરી મળવી કે આપવી મુશ્કેલ છે. દરેકને નોકરિયાત બનાવવો પણ મુશ્કેલ છે. ત્યારે દેશની જરૂરિયાત અનુસાર બહારથી કંપનીઓને નિમંત્રણ આપવાની ફરજ પડે છે. આવનાર કંપની જો શોષણને સ્થાન આપે તો દેશમાં ગુલામી વ્યાપે અને ત્યારે દેશમાં અરાજકતા ફેલાય તે સ્વાભાવિક છે. અનામત માટેના ભવ્ય આંદોલનો, અનામત મેળવવા માટેનો ભવ્ય રોષ જે આપણે જોઇએ છીએ. ત્યારે આપણે  ચેતી જવું જોઇએ અને આપણે આપણી શિક્ષણ પ્રણાલીને ગાંધી ચિધ્યે માર્ગે આગળ ઝંપલાવવું જોઇએ. આ પ્રકારની શિક્ષણ પ્રણાલી કે જે માત્ર બેકારી ઉત્પન્ન કરતી હોય તો તે દિવસ દૂર નથી કે દેશમાં સામાજિક દ્રોહ ઊભો ન થાય. અગમચેતીથી સાવધાન બની આપણે ગાંધી દ્વારા અપાયેલ શિક્ષણ પદ્ધતિ ઉદ્યોગ દ્વારા શિક્ષણને અમલી કરીએ.
1         ઉદ્યોગ દ્વારા શિક્ષણ
      ઉદ્યોગ દ્વારા શિક્ષણ વિશે ગાંધીજીએ ગર્ભિંત ચિંતન આપ્યું છે. ભારત કે જયાં આ પ્રકારના શિક્ષણની ખૂબ આવશ્યકતા છે. ઉદ્યોગ દ્વારા શિક્ષણ એટલે શિક્ષણમાં ઉદ્યોગ નહીં પરંતુ કોઈ ઉદ્યોગ દ્વારા ગણિત, વિજ્ઞાન, સમાજ, પર્યાવરણ, ઇતિહાસ વગેરે વિષયોનું જ્ઞાન અર્જિત થવું. જેને બુનિયાદી શાળોમાં સમવાયશિક્ષણ નામ અપાયેલું છે. સમવાય એટલે અનુબંધ અહીં, ઉદ્યોગ અને શિક્ષણ બંનેને જોડી શિક્ષણકાર્ય કરવાનું હોય છે.
      ગાંધીજી ખાદી બનાવવાના ઉદ્યોગ દ્વરા શિક્ષણનું દૃષ્ટાંત આપતા જણાવે છે કે, કપાસની વાવણી થાય ત્યારે બાળકને જમીન,જમીનના પ્રકારો વિશેનું જ્ઞાન આપીએ. તેમજ કપાસ ક્યાંથી આવ્યો, કપાસમાથી શુ-શું બને તે જણાવી ઇતિહાસ વિષય પણ શિખવી શકાય.નિંદામણ દરમિયાન વિજ્ઞાન શિખવી શકાય. કીટકો આવે ત્યારે ઉત્ક્રાંતિવાદ શિખવી શકાય. ખેતીમાં વાવેતર દરમિયાન ખેતરના ક્ષેત્રફળ માપ કરતા શીખવી આપણે તેને ગણિત શિખવી શકાય.કામમાં થતા ખર્ચના હિસાબને આધારે  બાળકને નફો-ખોટ તેમ જ વ્યાજ વગેરે જેવી ગાણિતિક પ્રક્રિયાઓ વ્યાવહારિક રીતે શીખવી શકાય.પીંઝવુ, કાપડનો રંગ, તેમા વિવિધતા, વણાટકામ વગેરેને આધારે આયોજન તેમજ અર્થશાસ્ત્ર શીખવી શકાય. ઉપરાંત આ ઉદ્યોગ દ્વારા બાળકનું સર્વાંગી શિક્ષણ સંભવ બને છે જેમકે બાળકને શારીરિક શિક્ષણ , પરિશ્રમનું મહત્વ સમજાય છે. ઉપરાંત બાળકનો માનસિક વિકાસ પણ થાય છે કેમકે કાંતણ હાથ દ્વારા કરવામાં આવે છે ત્યારે એક્યુપંક્ચરની ક્રિયા પણ થતી હોવાને પરીણામે મગજનો વિકાસ થાય છે. આમ, ઉદ્યોગ સાથે વિષયના જ્ઞાનને જોડી શિક્ષણની વાત ગાંધીજીએ કરી છે.
2        ઉદ્યોગ કેવા હોવા જોઇએ ?
·         શાળા તેમજ મહાશાળામાં થઇ શકે તેમજ તેના દ્વારા આર્થિક વિકાસ થઇ શકે તેવા ઉદ્યોગો પસંદ કરવા જોઈએ.ગાંધીજી કહે છે કે ઉદ્યોગ દ્વારા શિક્ષણનો મુખ્ય હેતુ આર્થિક વિકાસનો નથી પરંતુ શિક્ષણને સ્વાવલંબી બનાવાનો છે એટલે ખૂબ મોટા ઉદ્યોગો તેમજ મોઘા ઉદ્યોગોને કોઈ અવકાશ નથી.
·         ગાંધીજી જણાવે છે કે એવા ઉદ્યોગો પસંદ કરવા જોઇએ જેનો કાચા માલ શાળા-મહાશાળાની આસપાસની પરિસ્થતિમાંથી મળી રહે.
·         આર્થિક રીતે પોસાય તેમજ બધાજ બાળકોની ભાગીદારી રહે તેવા ઉદ્યોગો પસંદ કરવા જોઇએ
·         જે ઉદ્યોગો દ્વારા સમાજોપયોગિ ઉત્પાદન થાય તેવા ઉદ્યોગો પસંદ કરવા.
·         આસપાસનો સમાજ તેમજ સરકાર તેને ખરીદી કરી શકે તેવા ઉદ્યોગો પસંદ કરી શકાય
·         ઉદ્યોગમાથી એટલી આવક મળે કે શાળાનું સંચાલન થઇ શકે.
·         ઉદ્યોગો પર્યાવરણને અનુરૂપ તેમજ દૂષણો રહિત હોવા જોઇએ.
શાળા કે મહાશાળાની આસપાસના વાતાવરણને અનુરૂપ ઉદ્યોગ દ્વારા શિક્ષણ આપવામાં આવે તો વધારે સફળતા મળે છે જેમકે , વાંસના વૃક્ષોનો વિસ્તાર હોય ત્યા શાળા-મહાશાળામાં વાંસમાથી બનતી વસ્તુઓનો ઉદ્યોગ રાખી શકાય. મીઠાનો ઉદ્યોગ મીઠાની વગરો હોય ત્યાની શાળામાં કરી શકાય.આ ઉપરાંત તહેવારોનુરૂપ શાળાના અભ્યાસક્રમમાં ઉદ્યોગ રાખી શિક્ષણ કાર્ય કરવાથી રસ જળવાઈ રહે છે તેમજ આર્થિક રીતે લાભ પણ થાય છે જેમક, રક્ષાબંધનના તહેવાર પહેલા રાખડી બનાવવાનો ઉદ્યોગ, દિવાળી પર શુભેચ્છા કાર્ડ બનાવવાનો ઉદ્યોગ કરી શકાય.આ સિવાય શાળા-મહાશાળામાં ઘડિયાળ બનાવવી, ચૉકનું ઉત્પાદન, અગરબત્તી બનાવવાનો ઉદ્યોગ, ગુંદર બનાવવોનો ઉદ્યોગ, ફાઈલ બનાવવી, પુસ્તક બાઈન્ડિંગ, ઇલેક્ટ્રિકલ તેમજ ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉદ્યોગ, સૌર ઊર્જાથી ચાલતા સાધનો બનાવવા, રમકડા નિર્માણ કરવા, નાના મકાનો, પુલો વગેરેના મૉડેલ બનાવવોનો ઉદ્યોગ, શાળા પાસે જમીન હોય તો આયુર્વેદિક વનસ્પતિનું વાવેતરનો  ઉદ્યોગ, શાકભાજી વાવેતરનો ઉદ્યોગ, સિવણકામ, ભરતકામ, ચુથારીકામ, કડિયાકામ, માટીકામ, વગેરે વ્યાવસાયિક ઉદ્યોગો પણ રાખી શકાય.આધુનિક ટેક્નોલજિ અનુસાર સ્લાઈડ બનાવવી, ટાઈપિંગ કરવું, શાળાઓ માટે અધ્યયન સામગ્રી રચના કરવી વગેરે ઉદ્યોગો રાખી શકાય. વર્તમાન સમયમાં ક્રાફ્ટની બાબતમાં ઘણી પ્રગતિ સાધી છે તેનો પણ શાળામાં ઉદ્યોગ તરીકે ઉપયોગ કરી શકાય.
3        ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ:
                જ્યારે ઉદ્યોગ દ્વારા શિક્ષણની વાત હોય ત્યારે તેની સફળતા ત્યારે જ આંકી શકાય કે ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ થાય. તેના પર થોડી દૃષ્ટિ કરીએ.
1                     બાળમેળાઓનું આયોજન કરીએ. શાળા મહાશાળામાં વર્ષમાં એક અથવા છ માસના અંતરે બે બાળમેળાનું આયોજન કરી શકાય.આ બાળમેળામાં સમાજના લોકોને નિમંત્રિત કરીએ. ત્યારે તેમાં વર્ષ દરમિયાન બાળકો દ્વારા થયેલ ઉત્પાદન માટેની દુકાનો કરીએ. સંપૂર્ણ સંચાલન બાળકોના હાથમાં જ હોય જેથી બાળકમાં મેનેજમેન્ટના ગુણો પણ વિકાસ થાય છે.
2                     દરેક તાલુકાએ અથવા જિલ્લાએ શાળા ઉત્પાદન મંડળીની રચના કરી શકાય. શાળાની આસપાસ શાળાની એક સ્ટોલ પણ ઊભી કરી શકાય. જેનાથી વેચાણામાં સરળતા રહે.
3                     ગાંધીજી કહે છે કે શાળા-મહાશાળાઓ દ્વારા ઉત્પન્ન થયેલા માલને સરકાર ખરીદી લે અને તે ખર્ચમાંથી શાળાનું સંચાલન કરવામાં આવે.
4                    ઉદ્યોગ દ્વારા શિક્ષણના ફાયદા
·         ઉદ્યોગ દ્વારા શિક્ષણએ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ તેમજ રમત દ્વારા શિક્ષણ અને પ્રોજેક્ટ પદ્ધતિને પોતાનામાં સમાવી લે છે એટલે કે આ એક શિક્ષણ પદ્ધતિમાં અન્ય મહત્વપૂર્ણ શિક્ષણ પદ્ધતિઓ આવરાયેલી છે જે તેની આગવી વિશેષતા બને છે.
·         શિક્ષણની અન્ય પદ્ધતિઓ શાળા કે વિદ્યાર્થીના સ્વાવલંબન સાથે જોડાયેલી નથી. શિક્ષણ પદ્ધતિનો અતિ ઉત્તમ લાભ છે કે જેનાથી આર્થિક વિકાસ સંભવ બને છે.
·         પદ્ધતિથી સામાજિક બેકારીનો પ્રશ્નમાં પણ રાહત રહે છે એટલે કે સમાજ એક અખંડ બને છે.
·         બાળકમાં શ્રમના મહત્વનો વિચાર ગાઢ તેમજ પ્રેક્ટિકલી બને છે.
·         વિષયી શિક્ષણ રસયુક્ત તેમજ સરળ બને છે.
ઉદ્યોગ દ્વારા શિક્ષણ એ ભારતીય સમાજ માટેની વિશિષ્ટ જરૂરિયાત છે. જો શિક્ષણનું માધ્યમ ઉદ્યોગો બને તો બેકારી તેમજ શિક્ષણના ખર્ચને સરળતાથી કાબુ કરી શકાશે.ભારત માટે આ પદ્ધતિ આવતી પેઢીના શિક્ષણ માટેની ઉત્તમ પદ્ધતિ છે.

No comments:

Post a Comment