શિક્ષણ
અને જીવન ઘડતર
પરમાર અનિલકુમાર નરશીભાઈ
શિક્ષક-શ્રી કુંભણ કન્યા પ્રા.શાળા,
તા-પાલીતાણા, જિ-ભાવનગર
પીએચ.ડી. સ્ટુડન્ટ ગૂજરાત વિદ્યાપીઠ,
અમદાવાદ-14
જીવન
ઘડતર માટેની અપેક્ષા જો શિક્ષણ પાસે રાખવી હોય તો જીવનઘડતરે નિશ્ચિત પરિભાષામાં
બંધાવું પડે. જો જીવન ઘડતર અલગ-અલગ અર્થમાં રહે તો શિક્ષણ ક્યારેય સફળતા ન અપાવી
શકે. જો કે શિક્ષણે હજારો વર્ષોથી વિભિન્ન અર્થ ધારિત જીવનઘડતરને સફળ બનાવવાનો
પ્રયત્ન કર્યો પરંતુ સદિયોથી એ નિષ્ફળ જ રહ્યું અને આજે પણ એ જ ચર્ચા ઊભી હોય કે
શિક્ષણ દ્વારા જીવનઘડતર. જીવનઘડતરને પરિભાષામાં બાંધવું મુશ્કેલ છે પરંતું સામાન્ય
શબ્દોમાં કહીએ તો જીવનઘડતર એટલે સમાજ અને કુદરત સાથેનું વ્યક્તિનું અનુકૂલન. જો
વ્યક્તિ સમાજ અને કુદરત સાથે અનુકૂલન સાથે સાધી શકે તો આપણે કહી શકીએ કે તેનું
જીવનઘડતર થયું છે. જો આપણે આ પરિભાષા સાથે શિક્ષણને કામ આપીએ તો શિક્ષણની એ
જવાબદારી બને કે તે વ્યક્તિને એટલો સક્ષમ બનાવી શકે કે વ્યક્તિ અનુકૂલન સાધી શકે.
સામાન્ય રીતે જોઇએ તો કુદરત સાથેના અનુકૂલનામાં વ્યક્તિને કોઇ સમસ્યા નથી. જ્યારે
મનુષ્ય પાસે વિચારવાની કોઇ શક્તિ નહોતી ત્યારે પણ એ કુદરત સાથે અનુકૂલન સાધી શકતો
હતો. પરંતુ સમસ્યા માણસને માણસથી જ છે. વ્યક્તિને સમાજ સાથે અનુકૂલન થવામાં ઘણી
મુશ્કલીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં વ્યક્તિનું મોટાભાગનું જીવન તો સમાજ
સાથે અનુકૂલન થવામાં જ વિતી જાય છે.
સમાજ
સાથે અનુકૂલન ન થઈ શકવાનું એક કારણ વ્યક્તિની બદલાતી માનસિક સ્થિતિ છે. માનસિક
સંતુલન ન હોવાથી વ્યક્તિ અનુકૂલન સાધી શકતો નથી. જો કે આ કારણને શિક્ષણે કદાચ
સદિયો પહેલા જ જાણી લીધુ હશે. વૈજ્ઞાનિક ઢબે કદાચ નહીં ઓળખી શક્યું હોય પરંતુ
શિક્ષણે વ્યક્તિને માનસિક રીતે કાબુમાં મેળવવા ઘણા પ્રયાસો કર્યા છે. એ પ્રયાસોમાં
મુખ્ય રીતે યોગ, પ્રાર્થના તેમજ અધ્યાત્મને સ્થાન અપાયું. અને આ જ બાબત ધર્મમાં પણ
જોવા મળે છે. જો કે પહેલા શિક્ષણ અને ધર્મ એકસાથે સંકળાયેલું હોવાથી બંનેની
રીતોમાં ફેર ઓછો જોવા મળે છે. એ જ બાબત આજના આધુનિક શિક્ષણમાં પણ જોવા મળે છે. આજે
પણ જો શિક્ષણમાં જીવન ઘડતરની વાત હોય તો પ્રાર્થના અને અધ્યાત્મ પ્રથમ ચર્ચાનો
વિષય બની રહે. ગાંધિયન ફિલોસોફી, ગુરૂકૂળ શિક્ષા પ્રણાલી, આપણી શાળા કૉલેજ
વગેરેમાં આપણને આ બાબતોનો સમન્વય સ્પષ્ટ પણે જોવા મળે છે. પ્રાર્થના અને
અધ્યાત્મથી માનસિક શાંતિ મળે તે પ્રકારની ફિલોસોફી તેમજ અનુભવો હોવાથી પ્રાર્થના
તથા અધ્યાત્મને ખૂબ મહત્ત્વ મળ્યું છે. પરંતુ પ્રાર્થના અને અધ્યાત્મના માર્ગની
મોટી સમસ્યા એ રહી કે એમાં કોઇ વૈજ્ઞાનિક અભિગમ ન વિકસી શક્યો. જો કે શાંતિનો
અનુભવ કરાવતો હોવાથી એમાં કોઇ વિજ્ઞાન જોવાની વાત દૂર રહી અને એ જ તેની મર્યાદા
બની. આજે જ્યારે અધ્યાત્મ અને પ્રાર્થનાને વૈજ્ઞાનિક નજરમાં જોવામાં આવ્યા ત્યારે
સ્પષ્ટ થયું કે અધ્યાત્મ અને પ્રાર્થના દ્વારા થયેલા અનુભવો વાસ્તવિક નહીં પરંતુ
કાલ્પનિક હોય છે. યોગ્ય વૈજ્ઞાનિક માર્ગદર્શનના અભાવમાં જો કરવામાં આવે તો તેની મન
પર અવળી અસર પણ થઇ શકે છે.
શિક્ષણમાં
કોઇપણ વૈજ્ઞાનિક અભિગમ વિનાની પદ્ધતિ ક્યારેય સ્વીકારી ન શકાય અને જો સ્વીકારવામાં
આવે તો એ ખૂબ મોટી ભૂલ ગણી શકાય. એટલે કે આપણી પહેલી જવાબદારી એ બને કે અધ્યાત્મ
અને પ્રાર્થના પાછળનું વિજ્ઞાન શોધવામાં આવે. તેને વૈજ્ઞાનિક પદ્ધતિ બનાવવામાં
આવે. ત્યારે જે પરિણામોની આપણે અપેક્ષા રાખીએ છીએ તે પરીણામો કદાચ આપણને મળે.
પ્રાર્થના અને અધ્યાત્મની બીજી મર્યાદા એ
છે કે તેની સાથે અંધશ્રદ્ધાને સાંકળવામાં આવતી હોય છે. જેમ કે પ્રાર્થના તેમજ
અધ્યાત્મથી તમારી કુંડળીઓ જાગ્રત થશે અને તમે કોઇ પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો.
પ્રાર્થના અધ્યાત્મથી તમે ભૂત અને ભવિષ્યને જાણી શકશો. એટલું જ નહીં પરંતુ એ
પ્રકારના દાવા પણ થયેલા છે કે અધ્યાત્મ દ્વારા મંગળ ગ્રહ પર જઇને અવાય. અધ્યાત્મથી
આખી પૃથ્વીનું ચકકર પણ કાપી શકાય એવા અસંખ્ય દાવાઓ કરવામાં આવ્યા છે. અને આપણે
જાણીએ છીએ કે એ દરેક દાવા જૂઠા સાબિત થયા છે. આજે આપણી પાસે વૈજ્ઞાનિક અભિગમ છે.
આપણે સત્ય જાણી શકીએ તેવી પદ્ધતિઓ આપણી પાસે હોય ત્યારે અંધશ્રદ્ધાને બળ આપનાર પદ્ધતિ
ક્યારે પણ સ્વીકારી ન શકાય.
પ્રાર્થના
અને અધ્યાત્મની ત્રીજી મર્યાદા એ છે કે તેની અસર દરેક પર સમાન થતી નથી. તેમજ ઘણા
વ્યક્તિ પર તો થતી જ નથી. એવા દૃષ્ટાંતો આપણા સમાજમાં છે જેમણે જીવનભર અધ્યાત્મને
આપ્યું અને પરિણામ નહિવત્ મળ્યું. આજે ઘણી શિક્ષણ સંસ્થાઓ અધ્યાત્મ અને
પ્રાર્થનાના માર્ગથી ચાલે છે પરંતુ આપણે જોઇ શકીએ છીએ કે તે શિક્ષણ સંસ્થાઓને 50
પ્રતિશત પરિણામ પણ મળતું નથી. એનો મતલબ એ
જ કરી શકાય કે અધ્યાત્મ અને પ્રાર્થનાથી પરિણામ મળે જ તેની કોઇ ખાતરી નથી. એટલે કે
પરિણામ લાવવા બાબતે લાપરવાહ છે એટલે તેનો શિક્ષણમાં તો અમલ ન જ કરી શકાય અને જો
અમલ કરવામાં આવે તો તે મોટી ભૂલ ગણી શકાય.
આપણી
સંસ્કૃતિ સાથે સંકળાયેલું હોય. આપણા મહાનુભવોએ અપનાવ્યું હોય એટલે આપણો ઝૂકાવ સહજ
હોય એ બાબત સ્વાભાવિક છે પરંતુ શિક્ષણમાં તો સત્ય અને વૈજ્ઞાનિક બાબત જ સ્વીકાર્ય
બને છે.
આજે
મનોવિજ્ઞાન ખૂબ વિકસતુ જાય છે. આપણે ઘણી સમસ્યાનું સમાધાન મનોવિજ્ઞાન દ્વરા
મેળવ્યું છે. માનસિક સંતુલન માટે પણ શિક્ષણે મનોવિજ્ઞાન તરફ જવું જોઇએ. મનોવિજ્ઞાનની
એક શાખા સંમ્મોહન શાસ્ત્ર કે હિપ્નોટિઝમ આજનો ખૂબ ચર્ચિત વિષય છે. સ્વયં
હિપ્નોટિઝમથી વ્યક્તિનું માનસિક સંતુલન લાવી શકાય છે. જે પ્રયોગ સિદ્ધ બાબત છે. જે
વૈજ્ઞાનિક અભિગમ પણ છે અને પરિણામ ચોક્કસ પ્રાપ્ત થાય છે. તો આપણે આપણી જૂની
પરંપરાઓને એક બાજુ મુકીએ અને નવા વૈજ્ઞાનિક અભિગમને અપનાવી શિક્ષણ કાર્યની શરૂઆત
કરવી જોઇએ.
જીવન
ઘડતર માટે શિક્ષણ જો માત્ર માનસિક સંતુલનને જ ધ્યાનમાં રાખશે તો પણ તે સફળ નહીં
બને. અનુકૂલન થવા માટે બીજી બાબત એ જરૂરી છે કે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારૂ રહે.
વ્યક્તિનું જીવન ઘડતર યોગ્ય ત્યારે જ ગણી શકાય જો તે જીવન પર્યંત સ્વસ્થ જીવન પસાર
કરે.
શિક્ષણને
ખોટુ લાગશે પણ કહેવું રહ્યું કે શિક્ષણે મોટી ભૂલ કરી છે અને એ કે તેણે
સ્વાસ્થ્યના શિક્ષણને નકાર્યું છે અથવા સ્વાસ્થ્યના શિક્ષણ તરફ ધ્યાન જ નથી
આપ્યું. અને તેના પરિણામો આજે આપણે જોઇ શકીએ છીએ. જેમકે કૂપોષણનું ખૂબ પ્રમાણ
હોવું. વ્યક્તિનું સ્વાસ્થ્ય દિવસે-દિવસે બગડતું જવું. આજે સમાજમાં શિક્ષણનું
પ્રમાણ વધ્યું પરંતું સાથે સ્વાસ્થ્યનું હનન પણ એટલું જ થયું છે. એક અધ્યાપક પણ
સામાન્ય શરદી કે સામાન્ય દુખાવા માટે ડૉક્ટર પર નિર્ભર હોય છે. એટલે કે એક અધ્યાપકને પણ સામાન્ય સ્વાસ્થ્યનું
જ્ઞાન હોતું નથી. એનું કારણ માત્ર શિક્ષણ દ્વારા સ્વાસ્થ્ય પ્રત્યે દુર્લક્ષતા
સેવવામાં આવી છે. આપણે ત્યા જેમ કાનુનનું જ્ઞાન વકીલને જ હોય છે તેવી રીતે
સ્વાસ્થ્યનું જ્ઞાન માત્ર ડૉક્ટરને જ હોય છે. અને આપણે જાણીએ છીએ કે ડૉક્ટરની
ડિગ્રી કેટલા લોકો મેળવી શકે છે.
આવનાર
પેઢીના સ્વાસ્થ્ય પ્રતિ સજગતાનો અભાવ- શિક્ષણ આવનાર પેઢીના સ્વાસ્થ્યની ખૂબ ઓછી
ચિંતા કરે છે. આજે સમાજમાં એવા જોડકાઓ મળે છે જે લગ્નના બીજા જ મહિને એક મહિનાના
મા-બાપ હોય છે. કોઇ પણ તૈયારી વિના તે માત-પિતા બનતા હોય છે. એટલે કે એટલી અવેરનેસનો
આજની શિક્ષિત પેઢીમાં અભાવ છે. અન્ય બાબત
જોઇએ તો આપણે ત્યા ગર્ભ સુરક્ષા કે ગર્ભ શિક્ષણની કોઇ વ્યવસ્થા નથી. એટલે કે આપણે
તેને સહજ માનીએ છીએ અને બાળક તો થઇ જાય એમાં શું ધ્યાન રાખવાનું થાય પછી જોયું જાય
એવી માન્યતા આપણા સમાજમાં પ્રચલિત છે. ગર્ભ કાળ દરમિયાન માતાએ શુ શું કાળજી રાખવી
જોઇએ, કેવો પહેરવેશ પહેરવો જોઇએ, કેવો ખોરાક ગ્રહણ કરરવો જોઇએ., બાળકનો વિકાસ ક્રમ
કેવો હોય છે, મહિનાઓ પ્રમાણે કેવી આદતો વિકસિત કરવી જોઇએ વગેરે પ્રકારના કોઇ
શિક્ષણની વ્યવસ્થા નથી. તંદુરસ્ત બાળક જન્મે એવા પ્રકારના પ્રયાસો આપણે કરવા જોઇએ.
વ્યસનનું
વધતુ પ્રમાણ- જીવન ઘડતરના દાવા ઠોકતી શિક્ષણ સંસ્થાઓમાં પણ તમને 60 પ્રતિશતથી પર
બાળકો તમ્બાકુ કે બીજા કોઇ વ્યસનથી સંકળાયેલા હશે. એક સમયે એવું કહેવાતું કે
સમાજમાં વ્યસન છે કારણ કે સમાજમાં શિક્ષણનો અભાવ છે જે કહેવત ઊંધી થઇ છે કે
સમાજમાં શિક્ષણ છે તો સમાજમાં વ્યસન તો હોય જ ને. એ બાબત કેટલી સત્ય છે એ તો
સંશોધનનો વિષય છે પરંતુ એ સત્ય છે કે સમાજમાં વ્યસનનું પ્રમાણ વધ્યું છે. શિક્ષણે આ બાબત પ્રત્યે પણ દુર્લક્ષતા સેવી છે.
શિક્ષણ અંતર્ગત એનો કોઇ સમાવેશ કરવામાં આવેલ નથી. આજે અધ્યાપક કે ડૉક્ટરેટ કક્ષાના
વ્યક્તિઓમાં પણ આપણને વ્યસસનુનું પ્રમાણ જોવા મળે છે અને આ બાબતને શિક્ષણે ટાળવી ન
જોઇએ વ્યસનથી સ્વાસ્થ્ય બગડે છે એ વ્યક્તિનું જીવનઘડતર કેવા સંજોગામાં થઇ શકે એ પણ
શિક્ષણે વિચારવું જોઇએ.
માનસિક
બીમારીઓનું વધતું પ્રમાણ- જીવનશૈલીના બદલાવાથી તેમજ યોગ્ય અનુકૂલન ન સાધી શકવાને પરિણામે આજનો
વ્યક્તિ માનસિક બિમારીઓથી પીડાતો હોય છે. આપણે ત્યા શિક્ષણ અંતર્ગત મનોવિજ્ઞાનની
વ્યવસ્થિત પરંપરાનો વિકાસ ન થવાને પરિણામે ગુણવત્તાયુક્ત માનસિક તબીબ તેમજ માનસિક
સારવારનો અભાવ રહ્યો છે. જેને પરિણામે સમાજ આજે પણ માનસિક બીમારીના ઇલાજ માટે
બાબા, સંતો તેમજ ભૂવા પર વધારે વિશ્વાસ રાખે છે. અને તબીબોને નકારે છે આથી શિક્ષણમાં મનોવિજ્ઞાન શિક્ષણની વ્યવસ્થિત
પરંપરા ઊભી કરવાની જરૂર છે.
માનસિક
સંતુલન તેમજ સારા સ્વાસ્થ્ય ઉપરાંત જીવનઘડતર માટે સમાજવ્યવસ્થા પણ એટલી જ મહત્ત્વની
બાબત બને છે. સામાજિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે માનસિક કારક ડરનો ઉપયોગ સદિયોથી
કરાતો આવ્યો છે અને આજે પણ તે કારગર છે. સમાજવ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયમો
બનાવવા અને તે નિયમોનું ઉલંઘન કરનારને સજા કરવી આ નિતિ દ્વારા સમાજવ્યવસ્થા
જાળવવાનો પ્રયાસ થયો છે. આજની ઘણી શિક્ષણ સંસ્થાઓ પણ ડર કારકનો ઉપયોગ કરી
વિદ્યાર્થીને કાબૂમાં રાખતા હોય છે અને કારણ પોતાની શૈક્ષણિક ફિલસૂફી છે તેવું
કહેતા હોય છે. વાસ્તવિક રીતે જોઇએ તો વિદ્યાર્થીના કાબૂ પાછળ તેમની શૈક્ષણિક
ફિલસૂફીનો જરાય હાથ હોતો નથી. એ માત્ર એમનો વહેમ હોય છે.
સામાજિક
સાર્વ માટેની વ્યવસ્થા ઉપરાંત સમાજમાં એક બીજી સમાજવ્યવસ્થા પણ છે.એને આપણે આંતરિક
સમાજ વ્યવસ્થા કહી શકીએ. જો કે પાછુ શિક્ષણને ખોટુ લાગશે પરંતુ વાત સાચી છે કે
શિક્ષણ વ્યવસ્થાએ સમાજની આંતરિક વ્યવસ્થા વિશે ખૂબ ઓછી ચિંતા જતાવી છે. પારિવારિક
સંબંધો, શારીરિક સંબંધો, લગ્ન વ્યવસ્થા, પતિ કે પત્નીની પસંદગી, બાળ ઉછેર, તલાક,
સામાજિક તહેવારો, ધર્મ, માન્યતાઓ, પરંપરાઓ વગેરે બાબતો સમાજવ્યવસ્થાની આંતરિક
સ્થિતિ છે.જેની વ્યક્તિના જીવનઘડતર પર ખૂબ ઊડી અસર પડતી હોય છે. સમાજની આંતરિક
વ્યવસ્થા બાબતે વ્યક્તિને અનેક પ્રશ્નો હોય છે પરંતુ એનનું શિક્ષણ એને ન મળવાથી તે
હતાશા જેવી સ્થિતિનો ભોગ બને છે. આપણે જાણીએ છીએ કે સામાજિક પરંપરાઓને નામે કેટલું
સમાજમાં શોષણ થાય છે અને એમાંય મોટાભાગે તો સ્ત્રિઓ જ ભોગ બનતી હોય છે. અને આવી
પરંપરાઓ ચાલતી જ જાય છે કેમકે એ પરંપરાઓ વિશે જાગ્રતતા નથી શિક્ષણે એ કામ કર્યું
નથી. પોતાનો ભાવિ સાથી કેવો પસંદ કરવો, કેવી રીતે પસંદ કરવો એની સમજ આજના શિક્ષિત
સ્નાતકને પણ હોતી નથી. યુવાનની એ મૂંઝવણની સ્થિતિ હોય છે કે અરેંજ મેરજ કરવા કે લવ
મેરેજ પરંતુ એનો જવાબ એને શિક્ષણ વ્યવસ્થામાંથી નથી મળતો, શારીરીક સંબંધ કોની સાથે
રાખવો, સફળ કેવી રીતે થવું, વિષય કેવા પસંદ કરવા, સેક્સ કરવો એ ગુનો છે કે સારી
બાબત છે એક વ્યક્તિ સાથે સેક્સ સંબંધ બાંધવો સારી બાબત કે અનેક વ્યક્તિ સાથે સેક્સ
સંબંધ રાખવો સારી બાબત વગેરે પ્રશ્નો એને મૂંઝવે છે પરંતુ શિક્ષણ પાસેથી એના જવાબ
મળતા નથી. શિક્ષણમાં સમાજની આંતરિક વ્યવસ્થા સંદર્ભે કોઇ પહેલ ન હોવાથી આજે સ્નાતક
થયેલા, ડૉક્ટર થયેલા, અધ્યાપકની કક્ષાના લોકો આ બાબતે મૂઝાતા હોય છે અને ખોટા
નિર્ણયો કરતા હોય છે. અને તેના ખતરનાક પરિણામો આપણે જોઇએ છીએ. વ્યક્તિ સમાજિક
આંતરિક વ્યસ્થા સંદર્ભે જે નિર્ણય કરે છે તે સદિયોથી ચાલતી માન્યતાઓ, ટીવી, સોશિયલ
મિડિયા જેવા અપ્રામાણિક સ્રોતોને આધારે લેતા હોય છે પરંતું પ્રામાણિક મનાતુ સ્રોત
શિક્ષણ એને એ બાબતે કોઇ માર્ગદર્શન પૂરૂ પાડતુ નથી. તો શિક્ષણે સમાજની આંતરિક
વ્યવસ્થા સંદર્ભે પહેલ કરવી જોઇએ.
આંતરિક
સામાજિક વ્યવસ્થાની ઉપેક્ષા ઉપરાંત શિક્ષણની બીજી મર્યાદાએ ગણી શકાય કે શિક્ષણમાં
અંધશ્રદ્ધા વિરોધી શિક્ષણનો ખૂબ અભાવ રહ્યો છે. સામાજિક સંતુલન માટે સમાજમાં
વૈજ્ઞાનિક અભિગમ હોવો ખૂબ જરૂરી છે જે સમાજમાં અંધશ્રદ્ધા ફૂલી ફલેલી હોય ત્યા જીવન ઘડતરનું બીજ અંકુરિત ન થઇ શકે. એટલે
અંધશ્રદ્ધા નિર્મૂલન શિક્ષણ માટે ખૂબ મહત્તવનો મુદ્દો છે પરંતુ શિક્ષણ દ્વારા તેની
પણ ઉપેક્ષા કરવામાં આવી છે. આજે સમાજનો એક ઉન્નત વર્ગના ડૉક્ટરના હાથમાં કાળો દોરો
હોય અને એ ડૉકટરને પૂછવામાં આવે કે શુ છે તો કહેશે આનાથી ઘરમાં સમસ્યા ન આવે. આ
દોરો મારી રક્ષા કરશે. ઉન્નત શિક્ષણ પામેલાની ગાડીમાં લીંબુ અને મરછુ લટકાવેલું
હશે અને એ એમ માનતો હોય છે કે આનાથી અકસ્માત નહીં થાય. અહી વાત અશિક્ષિત સમાજની
નથી કરતો આપણો શિક્ષિત સમાજ પણ અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખે છે એનું કારણ એ કે
શિક્ષણ દ્વારા સાચી સમજ વિકસાવવામાં આવેલ નથી, આજે આપણો 90 પ્રતિશતથી પરનો સમાજ
અંધશ્રદ્ધા, ભૂત, ભૂવા, ડાકલા, ગેર માન્યતાઓને માને છે અને તેનું વહન કરે છે.
અધ્યાપક કક્ષાનો વ્યક્તિ પોતાના હાથમાં ગુરૂની વીંટી પહેરે છે અને એ એમ માને છે કે
કરોડો કિલોમીટર દૂર ગુરુ ગ્રહ નડે છે એટલે આ વીંટી પહેરી છે એક અધ્યાપકની આ સ્થિતિ
હોય તો સમાજની શી સ્થિતિ હશે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને એ સમાજમાં આપણે
જીવનઘડતર કેવી રીતે કરી શકીએ એ પણ મોટો સવાલ છે. શિક્ષણે ધર્મથી ડરવું ના જોઇએ,
સામાજિક માન્યતાઓથી પણ ના ડરવું જોઇએ અને સમાજ માટે જે સત્ય છે તેનું જ અમલીકરણ
કરવું જોઇએ.
આ ઉપરાંત વ્યક્તિની જરૂરાતો અને તેની આર્થિકતા જીવનઘડતરનું
એક મહત્ત્વનું કારક છે આપણા સમાજની વિટંબણા રહી છે કે આપણે ત્યા એક મોટો સમુદાય
સદિયોથી આર્થિક રીતે નબળો રહ્યો છે. સામાજિક વ્યવસ્થાની આ મોટી નબળાઈ રહી છે કે
સમાજની બધી સંપતિ થોડા લોકો પાસે જ રહે છે. વ્યક્તિની આર્થિક સ્થિતિ નબળી છે એના
પાછળનું કારણ પણે ત્યા વર્ષોથી એ અપાતુ આવ્યું છે કે પૂર્વજન્મમાં સારૂ કામ ન
કર્યું હોવાથી આ જન્મમાં આવું ફલ મળ્યું અને તે માન્યતાને પરિણામે સમાજમાં ઘણી
સમસ્યાઓ ઊભી થઈ અને સમાજ ઊભો ન થઇ શક્યો. ગાંધિયન ફિલોસોફીએ ઉપરોક્ત માન્યતાથી અલગ
મત આપ્યો અને તેણે આર્થિક પાસું નબળા હોવા પાછળ ઉદ્યોગ દરેકના હાથમાં ન હોવાથી અને
સમાજમાં શ્રમ પ્રત્યેની સૂગ હોવાથી આર્થિક પાસું નબળું છે એમ માની તેમણે તેમની
શિક્ષણ પ્રણાલીમાં ઉદ્યોગ અને એમાંય હસ્ત ઉદ્યોગને ખૂબ મહત્ત્વ આપી શિક્ષણ પ્રણાલી
અમલમાં મૂકી પરંતુ આજે એ વિચારને સદી થવા છતા અસર ખૂબ ઓછી જોવા મળી છે. ગાંધીયન
ફિલોસૂફી દ્વારા જે બીજું અન્ય કારણ જણાવાયું કે શ્રમ પ્રત્યેની સૂગ દૂર કરવી
જોઇએ. એ કારણ એમના સામાજિક નિરીક્ષણના અભાવનું કહી શકાય કેમકે આપણો 90 ટકા ઉપરનો
વર્ગ શ્રમ આધારિત જીવન આજે પણ જીવે છે અને તે અથાગ શ્રમ કરે છે અને એ સમાજને આપણે
એમ કહીએ કે તમને શ્રમ પ્રત્યે સૂગ છે તો એ ખોટુ વિશ્લ્ષણ જ કહી શકાય.
આર્થિક
બાબતે શિક્ષણે અથાગ પ્રયાસો કર્યા છે પરંતુ એને નિષ્ફળતા જ મળી છે કેમકે તેણે સાચા
રસ્તા પર કામ કર્યું નથી. આજે અશિક્ષિતો બેકાર નથી પરંતુ સમસ્યા એ છે કે શિક્ષિતો
બેકાર છે. શિક્ષિતિ બેકારોની મોટી લાઇન છે. શિક્ષણ દ્વારા સાચી સમજ ન વિકસાવવાથી,
વૈ5નિક અભિગમ ન કેળવવાથી, નવા વિચારો ન આપવાથી, સાહસ વૃત્તિ ઉત્પન્ન ન કરી શકવાને
પરિણામે, આર્થિક નિતિનું જ્ઞાન ન આપવાથી, આર્થિક સહયોગનું જ્ઞાન ન આપવાથી આજે આપણે
જે સમસ્યાઓ જોઇએ છીએ તે ઉત્પન્ન થઇ છે. શિક્ષણે નોકરો ઉત્પન્ન કરવા તરફ ન આગળ
વધવું જોઇએ પરંતુ માલિક ઉત્પન્ન થાય તેવા પ્રકારના શિક્ષણનો અમલ કરવો જોઇએ.
જીવનઘડતરને
બીજા અનેક પાસાઓ સ્પર્શે છે. જીવનઘડતર એક મોટો મુદ્દો છે શિક્ષણે જીવનઘડતર સંદર્ભે
જો સફળતા પ્રાપ્ત કરવી છે તો જીવનઘડતરને સ્પર્શતા યોગ્ય પાસા પર કામ કરવું પડશે.
વૈજ્ઞાનિક અભિગમને અપનાવવો પડશે. જૂની માન્યતાઓનો વિરોધ કરવો પડશે. સાચી સમાજિક
વ્યવસ્થાનું શિક્ષણ આપવું પડશે. માત્ર ફિલસૂફીથી હેવેની દુનિયામાં કામ નહીં ચાલે.
ફિલસૂફી પ્રયોગ સિદ્ધ હશે તો જ આવનારો સમાજ તેને સ્વીકાર કરશે. અત્યાર સુધી
શિક્ષણે એક જ પાસાઓ પર સદિયોથી કામ કર્યુ છે તેણે સમાજના બીજા અન્ય પાસા પર કામ
કરવું જ રહ્યું અને તો જ તે જીવનઘડતર સંદર્ભે સફળતા પ્રાપ્ત કરી શકશે.
No comments:
Post a Comment